ગુજરાતમાં ડ્રગ્સના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે, અને તાજેતરમાં આ સમસ્યાનો ફેલાવો ફેક્ટરીઓ સુધી પહોંચી ગયો છે. તાજેતરમાં, અંકલેશ્વરની એક ફેક્ટરીમાંથી 5,000 કરોડ રૂપિયાનું મોટું ડ્રગ્સ પકડાયું હતું, અને હવે ફરી અંકલેશ્વર જીઆઇડીસીથી 427 કિલો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 250 કરોડ રૂપિયા છે.
સુરત અને ભરૂચ પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝ ફેક્ટરી માંથી 427 કિલોનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થો ઝડપાતા ફેક્ટરીના માલિક અને સાથેના અન્ય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ ડ્રગ્સને તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યું છે અને વધુ તપાસ ચાલી રહી છે. અગાઉના રેકેટ અને ડ્રગ્સના કનેક્શન વિશે વધુ ખુલાસાઓ મળવાની શક્યતા છે.
ગુજરાતમાં ડ્રગ્સના કિસ્સાઓ દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે, જે રાજ્યના કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ માટે મોટો પડકાર છે. ગુજરાત, જેને મહાત્મા ગાંધી અને દારૂબંધીના રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં ડ્રગ્સના કિસ્સાઓ વધી રહ્યાં છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં 93,691 કિલો ડ્રગ્સ, 2,229 લીટર પ્રવાહી ડ્રગ્સ, અને 73,163 ડ્રગ્સ પિલ્સ અને ઈન્જેક્શન ઝડપાયા છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ગુજરાતમાં ડ્રગ્સની તસ્કરી વધુને વધુ ફેલાઈ રહી છે.
રાજ્યમાં પોલીસ, NCB, DRI અને અન્ય એજન્સીઓ દ્વારા સરહદી વિસ્તારો અને દરિયાકિનારાઓ પર રાઉન્ડ-ધ-કલોક દેખરેખ રાખવા છતાં, આટલી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાઈ રહી છે, જે દર્શાવે છે કે ડ્રગ્સનો કાળો વેપાર કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે.
ગુજરાત હવે માત્ર ડ્રગ્સ માટે પ્રવેશ દ્વાર જ નહીં, પરંતુ દેશના ડ્રગ્સના કેન્દ્રીય કેન્દ્ર તરીકે પણ ઊભરતું રહ્યું છે, જે પોલીસ અને પ્રજાજનો માટે ચિંતાનો વિષય છે